હનુમાન અને ભીમ બંને છે ભાઈ-ભાઈ, વાંચો હનુમાનજી સાથે જોડાયેલા કેટલાક રહસ્યો વિષે. ભગવાન શ્રીરામ પોતાના ભક્ત હનુમાન વિના અધૂરા છે, એવી રીતે જ હનુમાનજી પણ પોતાના સ્વામી શ્રીરામ વગર સંપૂર્ણ નથી. ત્યાં સુધી કે હનુમાનજી વિના રામાયણને પણ પૂર્ણ માનવામાં આવતું નથી. એ કહેવું બિલકુલ ખોટું નહિ હોય કે હનુમાનજી સંપૂર્ણ રામાયણમાં સૌથી વધારે મુખ્ય પાત્રોમાંથી એક છે.
રામ – રાવણ યુદ્ધમાં એક માત્ર હનુમાનજી જ એવા હતા, જેમને કોઈ પણ પ્રકારનું કોઈ નુકશાન પહોચ્યું ન હતું. આજે અમે આ આર્ટીકલમાં તમને હનુમાનજી વિશે એવી વાતો જણાવવાના છીએ, જેના વિશે તમે કદાચ જાણતા નહીં હોય. તો ચાલો જાણીએ હનુમાનજીના રહસ્યો વિશે.
કોણ હતા હનુમાનજીના ગુરુ? આમ તો પવનપુત્ર હનુમાનના ઘણા બધા ગુરુ હતા, જેમાં ભગવાન સૂર્ય અને નારદ મુનિ મુખ્ય છે. પરંતુ એમના સિવાય હનુમાનજીએ મતંગ મુનિ જોડેથી પણ શિક્ષણ પ્રાપ્ત કર્યું. ઋષી મતંગ પ્રભુ રામની અનન્ય ભક્ત શબરીના પણ ગુરુ હતા. માન્યતા છે કે, હનુમાનજીનો જન્મ પણ ઋષિ મતંગના આશ્રમમાં જ થયો હતો.
જ્યારે પોતાના પ્રભુ સામે જ લડવા ગયા હતા હનુમાનજી : તમને આ વાત જાણીને આશ્ચર્ય થશે પણ, એ સાચું છે કે એકવાર હનુમાનજી અને પ્રભુ શ્રીરામનું પણ યુદ્ધ થયું હતું. હકીકતમાં ગુરુ વિશ્વામિત્રએ શ્રીરામને રાજા યયાતિનો વધ કરવાનો આદેશ આપ્યો હતો. આ વાતની જાણ થતાં જ યયાતિ હનુમાનજીની માતા અંજનીના શરણમાં પોતાના રક્ષણની ભીખ માંગવા જતા રહ્યા. ત્યાર બાદ માતાનો આદેશ મળતા જ હનુમાનજી યયાતિનું રક્ષણ કરવા માટે ભગવાન શ્રીરામની સામે યુદ્ધ કરવા નીકળી ગયા.
જોકે આ યુદ્ધમાં હનુમાનજીએ શસ્ત્ર નહોતા ઉઠાવ્યા, પણ ભગવાન રામના નામનો જ જાપ કરવાનું શરૂ કરી દીધું. બીજી બાજુ શ્રીરામે હનુમાનજી ઉપર વિજય મેળવવા જેટલા પણ બાણ ચલાવ્યા એ બધા વ્યર્થ ગયા. હનુમાનજીની આ અનંત ભક્તિ જોઈ પ્રભુ શ્રીરામ અને ગુરુ વિશ્વામિત્ર મંત્રમુગ્ધ થઈ ગયા, અને છેલ્લે યુદ્ધ અટકાવી દેવામાં આવ્યું. આ રીતે રાજા યયાતિને એક નવું જીવન મળી ગયું.
હનુમાન અને ભીમ હતા ભાઈ ભાઈ : તમે વિચારી રહ્યા હશો કે ખરેખર હનુમાન અને ભીમ ભાઈ કઈ રીતે હોઈ શકે? બંનેની ઉંમરમાં તો હજારો વર્ષનું અંતર છે. પરંતુ તમને જણાવી દઈએ કે, હનુમાન અને ભીમ બંને જ પવનદેવના પુત્ર છે. માતા કુંતીને પવનદેવના આશીર્વાદથી જ ભીમની પ્રાપ્તિ થઈ હતી. અને બંને બહુ શક્તિશાળી હતા.
કહેવામાં આવે છે કે, ભીમની પાસે એક હજાર હાથીઓની શક્તિ હતી અને મહાભારતના સમયમાં એમના જેવા શક્તિશાળી યોદ્ધા માત્ર એમનો પુત્ર ઘટોત્કચ જ હતો.
માં દુર્ગાના અનન્ય ભક્ત હતા હનુમાન : ભગવાન શ્રીરામની જેમ જ તેમના ભક્ત હનુમાન પણ માં જગદંબાના અનન્ય ભક્ત હતા. માન્યતા છે કે માં જગદંબાની સેવા માટે હનુમાન સદૈવ એમની આગળ રહે છે અને ભૈરવ પાછળ રહે છે. આજ કારણ છે કે માતા જગદંબાના બધા મંદિરોમાં હનુમાનજીની મૂર્તિ અવશ્ય હોય છે.
આ રહસ્ય વિશે ભાગ્યે જ જાણતા હશો તમે : એક કથા અનુસાર રાવણે માં જગદંબાને પ્રસન્ન કરવા માટે અને રામ સામે યુદ્ધમાં વિજય પ્રાપ્તિ માટે એક યજ્ઞ કરાવ્યો હતો. આ યજ્ઞમાં રાવણે ખૂબ જ ઉચ્ચકોટિના બ્રાહ્મણ બોલાવ્યા હતા. એવામાં જ્યારે હનુમાનજીને આ વાતની ખબર પડી ત્યારે તેમણે પોતાનો વેશ બદલી લંકામાં પ્રવેશ કર્યો, અને તે બ્રાહ્મણોની ઘણી સેવા કરી જે યજ્ઞ સંપન્ન કરી રહ્યા હતા.
હનુમાનજીનો સેવાભાવ જોઈને બ્રાહ્મણોએ એમને વરદાન માગવાનું કહ્યું, તો હનુમાનજીએ મંત્રમાં એક શબ્દ બદલાવી નાખ્યો. ત્યારબાદ બ્રાહ્મણોએ ખોટા મંત્રનું ઉચ્ચારણ કર્યું અને જેનાથી માં જગદંબા ક્રોધિત થઈ ગયા અને રાવણે હારનો સામનો કરવો પડ્યો.
આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.
Source: gujaratilekh.com