રાષ્ટ્રીય સ્પર્ધામાં સતત ત્રણ વખત ગોલ્ડ મેડલ લાવ્યા પછી પણ 22 વર્ષની સોની કેમ કરી રહી છે બસ રીપેરીંગનું કામ. 22 વર્ષની સોની પોતાના આખા પરિવારની જવાબદારી ઉપાડી રહી છે, અને ડેપોમાં મિકેનિકલ હેલ્પરના પદ પર કામ કરી પોતાના પરિવારના લોકોનું પેટ ભરી રહી છે. 2019 માં જ સોનીને હરિયાણા રોડવેઝના હિસાર ડેપોમાં નોકરી મળી હતી. જોકે નોકરીએ લાગવાના 5 દિવસ પહેલા જ સોનીના પિતાનું મૃત્યુ થઈ ગયું. પિતાના મૃત્યુ પછી સોની પર જ આખા પરિવારની જવાબદારી આવી ગઈ.
હિસારના રાજલી ગામની રહેવાસી સોનીનો પરિવાર ઘણો મોટો છે, અને તેના પરિવારમાં 8 ભાઈ-બહેનો છે. જેમાંથી સોની ત્રીજા નંબરની છે. પિતાના ગયા પછી પોતાના ભાઈ-બહેનોની બધી જવાબદારી સોની પર આવી ગઈ છે, અને સોનીની આવકથી જ ઘરના લોકોનું ભરણપોષણ થઈ રહ્યું છે. હિસાર ડેપોમાં સોની બસોનું રીપેરીંગ કામ કરે છે. એક છોકરી હોવા છતાં પણ સોની આ કામ સારી રીતે કરી રહી છે.
સોનીના જણાવ્યા અનુસાર, તેના પિતા નરસીનું 27 જાન્યુઆરી 2019 ના રોજ બીમારીને કારણે નિધન થઈ ગયું હતું. તેની માં ઘરના કામો સંભાળે છે. એવામાં સોની ઉપર ઘર ખર્ચની બધી જવાબદારી આવી ગઈ છે. સોનીએ 31 જાન્યુઆરી 2019 ના રોજ હિસાર ડેપોમાં મિકેનિકલ હેલ્પરના પદ પર નોકરી શરૂ કરી હતી, અને તે સારી રીતે પોતાનું કામ કરી રહી છે.
સોનીને માર્શલ આર્ટ પણ આવડે છે અને સોનીએ માર્શલ આર્ટની પેંચક સિલાટ ગેમની રાષ્ટ્રીય પ્રતિયોગિયામાં સતત ત્રણ વાર ગોલ્ડ મેડલ પણ જીત્યું છે. સોનીના જણાવ્યા અનુસાર, તેના પિતાનું સપનું હતું કે તે ખેલાડી બનીને દેશ માટે મેડલ જીતે. સોનીએ શરૂઆતમાં પોતાના ગામ રાજલીમાં કબ્બડી રમવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન સોનીની મુલાકાત સોનિયા સાથે થઇ, અને સોનિયાએ સોનીને પેંચક સિલાત ગેમ જોઈન કરવા માટે કહ્યું. બહેનપણીના કહેવા પર સોની આ રમત શીખી અને આ રમતને કારણે સોનીને નોકરી મળી છે.
સોનીનું કહેવું છે કે, તેણે પિતાના કહેવા પર જ વર્ષ 2016 માં રમવાનું શરૂ કર્યું હતું. સ્પોર્ટ્સ કોટા અંતર્ગત જ હિસાર ડેપોમાં મિકેનિકલ હેલ્પરના પદ પર તેને નોકરી મળી. આ નોકરીથી તેનો પરિવાર ચાલી રહ્યો છે.
આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.
Source: gujaratilekh.com