પોલીસ ઓફિસર બન્યા મેથ્સ ગુરુ, ડ્યૂટીમાંથી સમય કાઢી છોકરીઓને શીખવાડી રહ્યા છે ગણિત. અત્યાર સુધી તમે કોઈ પણ પોલીસવાળાને સામાન્ય રીતે ચોર વગેરેને પકડતા જ જોયા હશે, કે પછી અન્ય કોઈ કેસ ઉકેલતા જોયા હશે. પણ ઝારખંડના ધનબાદમાં એક એવા પોલીસ ઓફિસર છે, જે પોતાની ડ્યુટીમાંથી સમય કાઢીને બાળકો માટે શિક્ષક બની જાય છે અને તેમને ભણાવે છે.
પોલીસવાળા બન્યા ટીચર : લોકડાઉન પછી જયારે તમામ જગ્યાઓની જેમ ધનબાદમાં પણ સ્કૂલો ખુલી, તો લોકોને એક પરિવર્તન જોવા મળ્યું જેનાથી તે ઘણા ખુશ થઈ ગયા. તે પરિવર્તન એ હતું કે, તેમણે ગર્લ્સ સ્કૂલમાં એક પોલીસ ઓફિસરને શિક્ષક બનીને છોકરીઓને ભણાવતા જોયા. ધનબાદની મોદીડીહ ગર્લ્સ હાઈસ્કૂલમાં તે વિસ્તારના પોલીસ ઓફિસર પંકજ વર્મા નિયમિત રૂપથી પોલીસ યુનિફોર્મમાં જઈને શિક્ષકની જેમ વિદ્યાર્થીનીઓને ગણિત ભણાવે છે, અને તેમને અઘરા અઘરા સૂત્ર સમજાવે છે.
પોલીસ ઓફિસરની ભણાવવાની રીતથી વિદ્યાર્થીનીઓ ઘણી ખુશ છે અને તેમને સરળતાથી ગણિત સમજાઈ રહ્યું છે. પંકજ વર્માના આ પ્રયત્નથી હવે વિદ્યાર્થીનીઓ વચ્ચે પોલીસનો ભય ખતમ થઈ ગયો છે, અને તે નીડર થઈને પોતાની સમસ્યાઓ જણાવે છે.
સ્કૂલના આચાર્ય સતીશ સિંહે જણાવ્યું કે, સ્ટેશન ઇન્ચાર્જ પંકજ વર્માએ તેમનો સંપર્ક કર્યો હતો અને 10 માં ધોરણની વિદ્યાર્થીનીઓને ગણિત ભણાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમના પ્રસ્તાવને તેમણે સહમતી આપી દીધી. સહમતી મળ્યા પછી તે સ્કૂલે પહોંચ્યા અને બાળકીઓને ભણાવવાનું શરૂ કરી દીધું.
સ્ટેશન ઇન્ચાર્જ પંકજ વર્માએ જણાવ્યું કે, તે મૂળ રૂપથી કોડરમા જિલ્લાના મરકચ્ચો ગામના રહેવાસી છે, અને બાળપણથી જ તે ભણતરને ઘણું મહત્વ આપતા હતા. તેમની ઈચ્છા શિક્ષણના ક્ષેત્રમાં કામ કરવાની હતી. તે પોલીસ ફોર્સ જોઈન કરતા પહેલા પોતાના કોચિંગ ક્લાસ પણ ચલાવતા હતા.
વાતચીત દરમિયાન સ્ટેશન ઇન્ચાર્જ પંકજ વર્માએ જણાવ્યું કે, તે દરેક ઘરમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા માંગે છે, જેથી કોઈ અભણ ન રહી જાય. એટલા માટે તેમના તરફથી જે કાંઈ પણ થઈ શકે છે, તે સંપૂર્ણ ઈમાનદારીથી કરી રહ્યાં છે.
આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.
Source: gujaratilekh.com