જાણો કેવી રીતે એક સામાન્ય સિક્યોરિટી ગાર્ડ મહીને કરવા લાગ્યો પુષ્ક્ળ કમાણી. જીવનમાં ટર્નિંગ પોઇન્ટ હંમેશા કોઈ મોટી મુશ્કેલી પછી જ આવે છે. હવે 28 વર્ષના આ યુવક રેવન શિંદેને જ જોઈ લો. તે ક્યારેક સિક્યોરિટી ગાર્ડની નોકરી કરતો હતો. ગાર્ડની નોકરીમાં તેને મુશ્કેલીથી 8 થી 10 હજાર રૂપિયા મહિનાનો પગાર મળતો હતો. તે કોઈ રીતે પોતાનું જીવન પસાર કરી રહ્યો હતો. અચાનક ડિસેમ્બર 2019 માં તેને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યો.
તે સમયે તેને એવું લાગ્યું જાણે કે તેનો સંસાર જ નષ્ટ થઈ ગયો હોય. ઘણા મહિના સુધી દરેક જગ્યાઓ પર નવી નોકરી મેળવવા માટે પ્રયત્ન કર્યા, પણ તે નિષ્ફ્ળ રહ્યો. પછી થાકી જઈને તેણે પોતાનો કોઈ ધંધો શરૂ કરવાનું વિચાર્યું. પુણેના પિંપરી-ચિંચવાડ વિસ્તારમાં રહેતા રેવને હિંમત કરીને પોતાની બધી જમા મૂડી લગાવીને એક કેફે ખોલ્યું. તેનું નામ રાખ્યું ‘કેફે 18’. આજે તે રોજ 600-700 કપ ચા વેચે છે, એટલે કે તે દર મહિને 50 થી 60 હજાર રૂપિયા કમાઈ રહ્યો છે.
રેવનનું ‘કેફે 18’ આજે આસપાસની કોર્પોરેટ ઓફિસ અને ફેક્ટરીઓના મજૂરો અને અન્ય કર્મચારીઓ સુધી ચા પહોંચાડે છે. હોમ ડિલિવરીની સુવિધા આપવાને કારણે તેનો ધંધો સતત પ્રગતિ કરી રહ્યો છે. રેવન માને છે કે, ઓફિસો અને ફેક્ટરીઓમાં સામાન્ય રીતે સમયની ઘણી પાબંધી હોય છે. કર્મચારી બહાર નથી નીકળી શકતા. એવામાં જયારે તેણે કાર્યસ્થળ પર ચા પહોંચાડવાનું શરૂ કર્યું, તો તેનું સારું પરિણામ મળ્યું.
ચા ની ગુણવત્તા જાળવી રાખવાને કારણે લોકોને તેની ચા ગમી અને ગ્રાહક વધવા લાગ્યા. શરૂઆમાં તેણે અમુક લોકોને મફત ચા પીવડાવી, જેથી તેમની પ્રતિક્રિયા લઇ શકાય. રેવનના ‘કેફે 18’ ની લોકપ્રિયતા આસપાસના વિસ્તારમાં ઘણી વધી ગઈ છે. હવે દૂર દૂરથી લોકો તેના કેફેમાં ચા પીવા આવે છે. રેવન કહે છે કે, જો તમે વસ્તુની ગુણવત્તા જાળવી રાખશો, તો આપમેળે ગ્રાહક વધતા જશે. આજે રેવનના કેફેમાં ઘણા કર્મચારીઓ કામ કરી રહ્યા છે.
રેવન જણાવે છે કે, જ્યારે તેની સિક્યોરિટી ગાર્ડની નોકરી છૂટી ગઈ, ત્યારે કાંઈ સમજાઈ રહ્યું ન હતું કે હવે શું થશે. ત્યારે એવું લાગી રહ્યું હતું કે, ક્યાંક નાનકડી નોકરી મળી જાય તો સારું. પણ આજે એવો અનુભવ થાય છે કે, જે થાય છે તે સારું જ થાય છે.
આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.
Source: gujaratilekh.com